Friday, April 19, 2013

બંધ બારણાં - કોઈ આવશે તો? - નયનેશ વોરા

" મેં  તો  ચાહત નાં  દ્વારને
                           વાસ્યાં  હતાં;
એ તો  ચાલ્યાં  ગયા 
                          બંધ  જોઇને!"    

ઘણી વાર  આપણે  એવું થતું  અનુભવ્યું હશે કે, કોઈ દોસ્ત ની  બહુજ યાદ આવી જાય અને એને મળીને ગપશપ કરવાનું મન થયું હોય તો ક્યારેક મુશ્કેલી ના  સમયમાં દિમાગને હળવું કરવાની અદમ્ય ઈચ્છા થઇ જતી હોય છે. આપણે  એ દોસ્તને ઘરે જઈએ  છીએ, અને ડોરબેલ ને  આપણી  આંગળીયોના  સ્પર્શનો અભાવ  રહી જતો  મહેસુસ  કર્યો હોય - કારણ કે બંધ દ્વાર ઉપર  એક તાળું લટકતું જોયેલું  હોય. એવું પણ બની શકે કે, ત્યારે આપણે  એકદમ  નિરાશ  થઇ જતા હોઈએ છીએ. યાદ ઉભરા જેવી હોય છે , દૂધ ગરમ કરીએ અને ઉભરો આવે કે સોડા બોટલ નું ઢાંકણું ખુલતા જ સોડા માં ઉભરો આવે તેમ યાદ ઉભરો બની જાય અને પછી આવે તે હોય છે વાસ્તવિકતા...આપણે જે રીતે વિચારતા હોઈએ તે રીતે દરેક સામે ની વ્યક્તિ વિચારતી હોય એ જરૂરી નથી હોતું.

તાજેતર માં છાપાઓ માં વાંચેલું યાદ આવ્યું કે તમિલનાડુ રાજ્ય માં એક ગામ એવું છે કે જ્યાં મકાનો માં બારણાં રાખવા ની પ્રથા જ નથી. એવું માનવા માં આવે છે કે અહીં દૈવી શક્તિ ની એવી આણ છે કે રક્ષા માટે બારણાઓ ની જરૂર પડતી નથી, એટલે ચોરી પણ થતી નથી. અહીં વાત શ્રધ્ધા ની છે - શ્રદ્ધા નું નામ હોઈ શકે?

કવિ એટલેજ કહે છે કે ખુદા ને પામવા નું નામ જ શ્રદ્ધા! આજે બધું જ બદલાઈ ગયું છે; અલગતાવાદે બારણાં ની આવશ્યકતા ઉભી કરી કે બારણાં ઓ એ અલગાવવાદ નો પાયો નાખ્યો એ કહી શકાતું નથી.  વિકાસ ની સાથે સાથે આપણું મન માત્ર પોતાના જ વિચાર કરવા લાગ્યું અને હૃદય માં પણ બારણાં ઓ પડી જતાં જોયાં.. !

એક મિત્ર ને કાર્યક્રમ ના સંચાલન દરમ્યાન એવું કહેતા સાંભળ્યા કે, શહેર ના ટ્રાફિક સિગ્નલ પર રસ્તો ખુલવા માટે રિવર્સ કાઉન્ટ શરુ થાય તે દરમ્યાન ભિખારી ને જોઈ ને આપણે કાર ના કાચ ચડાવી દઈએ છીએ.. ખરો પ્રશ્ન એ છે કે આપણે કેમ નથી વિચારતા કે જયારે આપણે મંદિર માં  જઈએ છીએ ત્યારે ભગવાન આવા કોઈ કાચ ચડાવે તો? આનો જવાબ ના હોય છે કારણ કે એ ભગવાન છે અને આપણે માણસ છીએ. મહત્વ ની વાત એ છે કે સામે ના માણસ ની પરિસ્થિતિ માં મુકાઇ ને જો વિચારવા માં આવે તો કદાચ આપણે આવું કરતા અટકીએ.  કોઈ આવે ત્યારે કાચ ચડાવીએ નહી અને અડધો કાચ પણ સાવ જ ઉતારી નાખીએ. વિચારવા ની તસ્દી જ ન લેવા ને કારણે વાદ-વિવાદ ઉભા થતા હોય છે. કુદરત ને બચાવવાના નારા ઓ ની જરૂર નથી; ખરેખર તો માણસ ના મનને પ્રદુષણ થી બચાવવા માટે ના slogans ની હવે જરુરીયાત ઉભી થઇ છે.

પૃથ્વી વિષે જો એવું slogan હોય કે "Our mother earth, let us care and share" તો પછી આપણા મન વિષે એવું કહી શકાય , "Mind is our father. Let us think and think again."

          રાહોં પે નઝર રખના
                  હોઠોં પે દુવા રખના
          આ જાયે કોઈ શાયદ
               દરવાજા ખુલા રખના।

માણસ ને જરૂર એટલી જ છે કે એને ક્યારેય બંધ દ્વાર નો સંકોચ ના રહેવો જોઈએ!

નયનેશ વોરા - લખ્યા તા: 09-માર્ચ -2006

સંપૂર્ણ રીતે અપૂર્ણ

મનુષ્ય હોવું એટલે જ અપૂર્ણ હોવું. દેખાતો સંપૂર્ણ માણસ એક ભ્રમ છે. સત્ય એ છે કે આપણી અપૂર્ણતાઓ પુરાવો છે આપણા મનુષ્ય હોવાનો . 

તમે ક્યારેય નાના બાળક ને જોયું છે? 

શું તે જન્મ થી જ સંપૂર્ણ હોય છે? તેને કેટલું તો નથી આવડતું હોતું. પણ છતાં ખુબ વહાલું લાગે છે, કેમ કે આપણે એ નાના બાળક ને સાચા અને ખોટા, સારા અને ખરાબ ના ત્રાજવા માં નથી તોળતા. એ જે છે તેનો જ સ્વીકાર કરીએ છીએ. 

ફૂલ આપણને એટલે જ ગમે છે કારણ કે તે આપણને ખુશ કરવાની કોઈ પેરવી નથી કરતા. તે પોતાના માં મસ્ત છે અને પોતાની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર કરી ને જીવે છે - ખરે છે.

શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી - બસ, એને માણીએ છીએ. 

પણ જયારે બીજા માણસ ની વાત આવે ત્યારે જીવન ભર આપણે તેમની પાસે થી સંપૂર્ણ થવા ની અપેક્ષાઓ રાખીએ છીએ. જયારે આપણે ખુદ જેવા ઇચ્છીએ છીએ એવા નથી બની શકતા તો બીજાઓ આપણે ઈચ્છીએ એવા કેવી રીતે બને? બીજાઓ ને તો ઠીક પણ આપણે આપણા બાળકો ને પણ કંઇક 'બનાવવા' માંગીએ છીએ અને એ જે 'છે' એને જોવાનું ચુકી જતાં હોઈએ છીએ. 

સત્ય એ જ છે:દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે અપૂર્ણ છે અને જ્યાં સુધી આપણે બીજો ની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર નહિ કરીએ ત્યાં સુધી આપણે કોઈ ને પણ સાચા દિલ થી ક્યારેય ચાહી નહીં શકીએ .  

તન્મય વોરા - લખ્યા તા: 19/04/2013

Sunday, February 10, 2013

ચાર દિ' વ્હાલ

ઘર એટલે ચાર દીવાલ
ઘર એટલે ચાર દિ' વ્હાલ

- - - - -

સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક કમરા કમ હૈ!

Friday, August 10, 2012

શ્રી સુરેશ દલાલ - ગુજરાતી કવિતા ના અવાજ ને શ્રદ્ધાંજલિ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.

તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.

તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.

તારા વિના…

તારા વિના…

તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

- સુરેશ દલાલ (૧૯૩૨ થી ૨૦૧૨)

Sunday, July 15, 2012

હું એક જ છું.

જીવન ના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
અ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ના હોય શકે
પણ એનો દ્વિતિય નથી,
એના અંગુઠા ની છાપ, એના અક્ષરો નો મરોડ,
એના અવાજ ની ગહરાઈ, એના ચહેરા ની રેખાઓ,
એના અનુભવ નો ગ્રાફ ,
એના ભૂતકાળ ના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દીલસંબંધો,
એનું પતિત્વ, પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈ ને
એક એવા બિંદુ પર આવી ને ઉભા રહી જાય છે
જયારે કહી શકે છે:
એકો અહં, દ્વિતીયો નાસ્તિ...
ન ભૂતો ન ભવિષ્યતિ ...


હું એક જ છું.
મારા જેવો બીજો નથી.


ઈગો - ચંદ્રકાંત બક્ષી માં થી સાભાર 

Thursday, January 12, 2012

પ્રોએક્ટીવ/રીએક્ટીવ જીવન

કાં તો આપણે આપણા અસ્તિત્વ ના કેન્દ્રબિંદુ માં થી જીવીએ છીએ, કાં તો લોકો જીવાડે એક જીવીએ. પ્રથમ ને અંગ્રેજી માં કહે છે પ્રોએક્ટીવ, બીજા ને રીએક્ટીવ. અધ્યાત્મ ની ભાષા માં કહીએ તો અધર ઓરિયેન્ટેડ. પ્રથમ છે દીવો, બીજું છે અરીસો. દીવો સ્વયં પ્રકાશે, રેડીયેટ કરે - એની રોશની કોઈ પર અવલંબિત નથી. જયારે અરીસો તો સામે આવે છે એને દર્શાવે, રીફ્લેકટ કરે, એની પોતાની પાસે સ્વયં નું કોઈ અજવાળું નથી.
- Small સત્ય, મુકેશ મોદી, દિવ્ય ભાસ્કર ૧૧/૦૧

Wednesday, January 11, 2012

વિવેકાનંદ વિચાર

જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ? - સ્વામી વિવેકાનંદ

Sunday, January 8, 2012

ભગવાનની ટપાલ – ગુણવંત શાહ

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે.
વધુ વાંચો: રીડ ગુજરાતી પર (અને હા, "ભગવાન ની ટપાલ" પુસ્તકે વાંચવા નું ચૂકતા નહીં! )

Tuesday, December 27, 2011

હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

શિયાળા ની એ ઠંડી રાત્રે
રસ્તા ની કોર પર
ધ્રુજતી એક વૃદ્ધ સ્ત્રી
પસાર થતા લોકો પાસે
મદદ માંગી રહી હતી.
ગાડીઓ માં પસાર થતા લોકો
પોતાના માં એટલા વ્યસ્ત હતા
કે તેમને જોવા સુદ્ધાં ની ફુરસત ન હતી.

પસાર થતા એક સજ્જન
અચાનક રોકાયા અને ૫૦ રૂપિયા આપ્યા
પછી થોડી વાર માં એક ચાદર અને ગોદડું પણ આપી ગયા.

વૃદ્ધા ને હુંફ આપી, એ સજ્જને હુંફ મેળવી.

લોકો માને છે કે મેળવી લેવું એ જીવન છે
પણ હકીકત એ છે વિના સ્વાર્થે આપવું
અને આપી ને મેળવવું, એ જીવન છે.

શૂન્ય પાલનપુરી એ સાચું જ કહ્યું છે -

થીજવી દે હાડ એવી આફતો ની ટાઢ માં,
હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

- - - - -

- તન્મય વોરા (લખ્યા તા: ૨૮-ડીસેમ્બર-૨૦૧૧)
આજ સંદર્ભ માં ૨૦૦૯ માં મારા બ્લોગ "QAspire.com" પર લખેલ પોસ્ટ "Giving is Growing - Generosity and Leadership"


Sunday, December 25, 2011

ઘર વિષે - નયનેશ વોરા

દરેક વ્યક્તિએ એના બાળપણમાં દરિયા કિનારે રેતી નાં ઘર બનાવ્યા જ હશે. ઘરની કલ્પના આપણાં દિમાગમાં છેક બચપણથી જ સંગ્રહાયેલી હોય છે. નાનપણ માં છોકરાઓ ઘર ઘર રમતા હોય, ત્યારે ઘર સીમાબદ્ધ હોય છે અને તેની આગળ પાછળ ની ભાવનાઓ અને લાગણીઓ અસીમ આકાશની જેમ ફેલાઈ જતી હોય છે. મૂળભૂત રીતે માણસ પોતાનાં માટે ઓથ ની શોધ કરતો હોય છે, જ્યાં સાંજ પડે જઈને "હાશ" કરી શકે. એટલે કે માણસ ઘર માં રહેતો હોય છે અને ઘર માણસ માં રહેતું હોય છે!

થોડા સમય પહેલા 'ધરતીનો છેડો ઘર' એ વિષય ઉપર મહાનુભાવો નાં વિચારો, વિભાવનાઓ નું રસપ્રદ સંપાદન વાંચ્યું ત્યારે મને એક સ્નેહીએ "ઘર" વિષય ઉપર કાવ્યપંક્તિઓ અને વાક્યો ની હસ્તલિખિત પુસ્તિકા આપી તે પણ યાદ આવી ગઈ. આ પુસ્તિકામાં શબ્દચિત્રોની સાથે વિવિધ પ્રકાર ના ઘરોના રેખાચિત્રો એક અલગ જ ભાવ જગત ઊભું કરે છે. કેટલાય જાણીતા અને અજાણ્યા લોકો ઘર વિષે નાં વિચારો કરતા હશે, ત્યારે એવું પણ બનતું હશે કે શબ્દો આકાશની જેમ વિસ્તારાયેલા હોય અને પરિકલ્પનાઓ અમાપ હોય, એવું માનવું પડે છે.

"ઘર એટલે" ની પ્રસ્તાવનામાં સંકલનકાર શ્રી સત્યામુનીએ કહ્યું છે કે ઘર ને સમજવું બહુજ આવશ્યક થઈ ગયું છે. બધાને બધી રીતે ઘરનો મર્મ સાંપડ્યો નથી હોતો, જેના કારણે જ કદાચ ઘણાં ઘરની કથામાં વ્યથાનો રંગ ઉપસતો હોય છે.

સંકલનકાર કહે છે તેમ આપણાં ઘર માં જેને પોતાના ઘર જેવું લાગે અને જેમના ઘર માં આપણને ઘર જેવું અનુભવી શકાય - આવા ઘરો કદાચ આજે આપણે શહેરો માં જવલ્લે જ જોઈ શકીએ. કારણ કે આજના ઘરો ચોરસ ફૂટ માં મર્યાદિત થઇ ગયા છે. જગ્યા પણ ઓછી અને દિલ માં પણ ઓછી જગ્યા! સત્યમુની એ કહ્યું છે તેમ ઘર એટલે આંતર-અવકાશ! વળી કવિ પ્રશાંત દેસાઈ કહે છે તેમ,

"ઘર એટલે હુંફ અને હાશ,
બેફામ મોક્ળાશ - જાણે ખુલ્લું આકાશ!"


ઘર એટલે શહેર માં અદ્યતન બંગલો કે ફ્લેટ. આજે પણ આ ગામડા ગામ માં ઘર ને ખોરડાં જ કહેવાય છે. એમાં વસતા દરેક જણ ના દિલ પણ વિશાળ હોય એવું આપણે જોતા હોઈએ છીએ. સત્યમુની એ આગળ લખ્યું છે તેમ ઓટલો, હીંચકો, બેઠક, ફળિયું, તુલસી ક્યારો, પાણીયારું, ગોખલા, ટોડલા, પડશાળ, છજાં, ઢાળિયું, કોઠી અને ગમાણ - આ બધું ઘર ને સગવડ તો આપે જ છે પણ સાથે સાથે ઘર માં રહેનાર ને અદભુત અનુભૂતિ નો સ્પર્શ પણ કરાવે છે. માણસ ને ઘણી વાર એવું પણ થાય છે કે જે ઘર મેં તે રહ્યો હોય તે ઘરો એની સ્મૃતિ માં બંધાઈ જતાં હોય છે. મારા મિત્ર અને લેખક શ્રી વીનેશ અંતાણી લખે છે તેમ, વર્તમાનમાં પણ એ જે છૂટી ગયા છે એવા ઘરો માં જીવતા હોય છે. માણસ માટે ઘર ની છાપ એટલે પોતાના દાદા-પરદાદા ના ઘર માં રહ્યા હોય છે એજ કાયમ માટે ઘર ની વ્યાખ્યા માં બંધ બેસતું હોય છે. જ્યાં મહેમાનો ની આવન જાવન રહેતી હોય, જ્યાં નિયમિત રીતે "બેસવા" આવતા લોકો થી બેઠક ભરી હોય અને એ પણ કોઈ કામ કે સ્વાર્થ ના હોય - તેવા લોકો થી ઘર હર્યું-ભર્યું હોય - આવું હવે કદાચ જોઈ શકાય કે નહીં એ એક પ્રશ્નાર્થ છે.

ઘર માણસ નાં દિલ-દિમાગ પર કેટલું છવાઈ જાય છે એની એક ઘટના બાંકડે બેસતા એક વડીલે વર્ણવી. ઉમરલાયક એવા એક સજ્જન શહેર માં તેના પુત્ર સાથે રહેતા હતા પણ એનું દિલ બાજુ ના ગામડા માં ના પોતાના ઘર માં રહેતું. અવાર-નવાર એ યાદ કરતા એ ઘર ને અને દિમાગ માં સ્મૃતિઓ નું એક ઘર બની જતું હતું કે જે જલ્દી થી ભુલાતું ન હતું. એ સજ્જન ની તબિયત પણ કંઈ સારી રહેતી ન હતી. એક દિવસ એણે પુત્ર પાસે ગામડા ના ઘરે જવા ની વાત કરી. કોણ જાણે કેમ કે એ ગામડા ના ઘર ની અંતિમ મુલાકાત હતી કે પછી મૃત્યુ નો ભાસ થઇ ગયો હતો. એજ રાત્રે એ વડીલ ગામડા ન એ જુના મકાન માં મૃત્યુ પામ્યા.

એક એવું પણ અવતરણ છે કે જે ઘર વિષે ની બધીજ શક્યતાઓ ને સમાવી લે છે. તમારું ઘર ત્યારેજ તમારું લાગે છે, જ્યાં તમારો પોતીકો એક ખૂણો હોય, એકાંત રૂપ જગ્યા હોય. જ્યાં તમે હો, માત્ર તમે જ. ઘર એટલે અખિલ બ્રહ્માંડ માં મારું વિશ્વ!

હવે મારું ઘર
સદાય ઉઘાડું રહેશે
મારા ઘર ને
કમાડ જ ક્યાં છે?
- ગુલાબ દેઢિયા

- - - - -
- નયનેશ વોરા, લખ્યા તા: ૨૫-ડિસેમ્બર-૨૦૧૧, નાતાલ

સાચી પ્રાર્થના

કાર્યરત રહેવું....
.... એજ પ્રાર્થના છે.

દીકરી ને...

મારી વહાલી દીકરી,

તું એટલે અમે,
તારા માં અમે અમને જોઈએ
તું આવડી નાની
ને અમે તારા મોટા થવા નાં સ્વપ્નો જોઈએ.

તને નવું નવું બોલતા,
શીખતા અને ચાલતા જોઈએ
જયારે તને જોઈએ,
તારા માં કશુક નવું જ જોઈએ!

સાવ અજાણ હતું
એ બાળક ને સમજતા જોઈએ
અને દરેક દિવસે
સમય ની અચલ ગતિ ને જોઈએ!

તારા કલબલાટ થી
ખીલી ઉઠતું ઘર જોઈએ
સમય ભલે ને વહે
તું તો અમને આવડી જ જોઈએ!

દીકરી વ્હાલ નો દરિયો
નેં દરિયા માં તરબોળ અમને જોઈએ
પ્રભુ નું તું રહે વિશેષ બાળક
એથી વિશેષ અમને શું જોઈએ?


- તન્મય વોરા (લખ્યા તા: December ૨૦૦૭, "હૈયા ની વાતો હિયા ને" માં થી)

Saturday, December 24, 2011

દૈનિક સંકલ્પ

આજે સવારે ઉઠ્યા પછી
હું સ્મિત કરું છું

નવા નક્કોર ચોવીસ કલાક
મારી સામે તૈયાર ઉભાં છે

હું પ્રત્યેક ક્ષણ નેં
પુરેપુરી જીવવા માટે અને

પ્રત્યેક જીવ નેં કરુણા નીં નજરે
જોવા માટે સંકલ્પબદ્ધ છું!

- વિએટનામ નાં ઝેન ગુરુ થીચ નહાટ હાન્હા

શા માટે કો અન્ય થઇ ને જીવીએ?

આપણું પોતાનું જીવન
ધન્ય થઇ ને જીવીએ,
શા માટે આપણે,
કો અન્ય થઇ ને જીવીએ?
- શોભિત દેસાઈ