Friday, April 19, 2013

સંપૂર્ણ રીતે અપૂર્ણ

મનુષ્ય હોવું એટલે જ અપૂર્ણ હોવું. દેખાતો સંપૂર્ણ માણસ એક ભ્રમ છે. સત્ય એ છે કે આપણી અપૂર્ણતાઓ પુરાવો છે આપણા મનુષ્ય હોવાનો . 

તમે ક્યારેય નાના બાળક ને જોયું છે? 

શું તે જન્મ થી જ સંપૂર્ણ હોય છે? તેને કેટલું તો નથી આવડતું હોતું. પણ છતાં ખુબ વહાલું લાગે છે, કેમ કે આપણે એ નાના બાળક ને સાચા અને ખોટા, સારા અને ખરાબ ના ત્રાજવા માં નથી તોળતા. એ જે છે તેનો જ સ્વીકાર કરીએ છીએ. 

ફૂલ આપણને એટલે જ ગમે છે કારણ કે તે આપણને ખુશ કરવાની કોઈ પેરવી નથી કરતા. તે પોતાના માં મસ્ત છે અને પોતાની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર કરી ને જીવે છે - ખરે છે.

શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી - બસ, એને માણીએ છીએ. 

પણ જયારે બીજા માણસ ની વાત આવે ત્યારે જીવન ભર આપણે તેમની પાસે થી સંપૂર્ણ થવા ની અપેક્ષાઓ રાખીએ છીએ. જયારે આપણે ખુદ જેવા ઇચ્છીએ છીએ એવા નથી બની શકતા તો બીજાઓ આપણે ઈચ્છીએ એવા કેવી રીતે બને? બીજાઓ ને તો ઠીક પણ આપણે આપણા બાળકો ને પણ કંઇક 'બનાવવા' માંગીએ છીએ અને એ જે 'છે' એને જોવાનું ચુકી જતાં હોઈએ છીએ. 

સત્ય એ જ છે:દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે અપૂર્ણ છે અને જ્યાં સુધી આપણે બીજો ની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર નહિ કરીએ ત્યાં સુધી આપણે કોઈ ને પણ સાચા દિલ થી ક્યારેય ચાહી નહીં શકીએ .  

તન્મય વોરા - લખ્યા તા: 19/04/2013

No comments:

Post a Comment