Sunday, December 25, 2011

ઘર વિષે - નયનેશ વોરા

દરેક વ્યક્તિએ એના બાળપણમાં દરિયા કિનારે રેતી નાં ઘર બનાવ્યા જ હશે. ઘરની કલ્પના આપણાં દિમાગમાં છેક બચપણથી જ સંગ્રહાયેલી હોય છે. નાનપણ માં છોકરાઓ ઘર ઘર રમતા હોય, ત્યારે ઘર સીમાબદ્ધ હોય છે અને તેની આગળ પાછળ ની ભાવનાઓ અને લાગણીઓ અસીમ આકાશની જેમ ફેલાઈ જતી હોય છે. મૂળભૂત રીતે માણસ પોતાનાં માટે ઓથ ની શોધ કરતો હોય છે, જ્યાં સાંજ પડે જઈને "હાશ" કરી શકે. એટલે કે માણસ ઘર માં રહેતો હોય છે અને ઘર માણસ માં રહેતું હોય છે!

થોડા સમય પહેલા 'ધરતીનો છેડો ઘર' એ વિષય ઉપર મહાનુભાવો નાં વિચારો, વિભાવનાઓ નું રસપ્રદ સંપાદન વાંચ્યું ત્યારે મને એક સ્નેહીએ "ઘર" વિષય ઉપર કાવ્યપંક્તિઓ અને વાક્યો ની હસ્તલિખિત પુસ્તિકા આપી તે પણ યાદ આવી ગઈ. આ પુસ્તિકામાં શબ્દચિત્રોની સાથે વિવિધ પ્રકાર ના ઘરોના રેખાચિત્રો એક અલગ જ ભાવ જગત ઊભું કરે છે. કેટલાય જાણીતા અને અજાણ્યા લોકો ઘર વિષે નાં વિચારો કરતા હશે, ત્યારે એવું પણ બનતું હશે કે શબ્દો આકાશની જેમ વિસ્તારાયેલા હોય અને પરિકલ્પનાઓ અમાપ હોય, એવું માનવું પડે છે.

"ઘર એટલે" ની પ્રસ્તાવનામાં સંકલનકાર શ્રી સત્યામુનીએ કહ્યું છે કે ઘર ને સમજવું બહુજ આવશ્યક થઈ ગયું છે. બધાને બધી રીતે ઘરનો મર્મ સાંપડ્યો નથી હોતો, જેના કારણે જ કદાચ ઘણાં ઘરની કથામાં વ્યથાનો રંગ ઉપસતો હોય છે.

સંકલનકાર કહે છે તેમ આપણાં ઘર માં જેને પોતાના ઘર જેવું લાગે અને જેમના ઘર માં આપણને ઘર જેવું અનુભવી શકાય - આવા ઘરો કદાચ આજે આપણે શહેરો માં જવલ્લે જ જોઈ શકીએ. કારણ કે આજના ઘરો ચોરસ ફૂટ માં મર્યાદિત થઇ ગયા છે. જગ્યા પણ ઓછી અને દિલ માં પણ ઓછી જગ્યા! સત્યમુની એ કહ્યું છે તેમ ઘર એટલે આંતર-અવકાશ! વળી કવિ પ્રશાંત દેસાઈ કહે છે તેમ,

"ઘર એટલે હુંફ અને હાશ,
બેફામ મોક્ળાશ - જાણે ખુલ્લું આકાશ!"


ઘર એટલે શહેર માં અદ્યતન બંગલો કે ફ્લેટ. આજે પણ આ ગામડા ગામ માં ઘર ને ખોરડાં જ કહેવાય છે. એમાં વસતા દરેક જણ ના દિલ પણ વિશાળ હોય એવું આપણે જોતા હોઈએ છીએ. સત્યમુની એ આગળ લખ્યું છે તેમ ઓટલો, હીંચકો, બેઠક, ફળિયું, તુલસી ક્યારો, પાણીયારું, ગોખલા, ટોડલા, પડશાળ, છજાં, ઢાળિયું, કોઠી અને ગમાણ - આ બધું ઘર ને સગવડ તો આપે જ છે પણ સાથે સાથે ઘર માં રહેનાર ને અદભુત અનુભૂતિ નો સ્પર્શ પણ કરાવે છે. માણસ ને ઘણી વાર એવું પણ થાય છે કે જે ઘર મેં તે રહ્યો હોય તે ઘરો એની સ્મૃતિ માં બંધાઈ જતાં હોય છે. મારા મિત્ર અને લેખક શ્રી વીનેશ અંતાણી લખે છે તેમ, વર્તમાનમાં પણ એ જે છૂટી ગયા છે એવા ઘરો માં જીવતા હોય છે. માણસ માટે ઘર ની છાપ એટલે પોતાના દાદા-પરદાદા ના ઘર માં રહ્યા હોય છે એજ કાયમ માટે ઘર ની વ્યાખ્યા માં બંધ બેસતું હોય છે. જ્યાં મહેમાનો ની આવન જાવન રહેતી હોય, જ્યાં નિયમિત રીતે "બેસવા" આવતા લોકો થી બેઠક ભરી હોય અને એ પણ કોઈ કામ કે સ્વાર્થ ના હોય - તેવા લોકો થી ઘર હર્યું-ભર્યું હોય - આવું હવે કદાચ જોઈ શકાય કે નહીં એ એક પ્રશ્નાર્થ છે.

ઘર માણસ નાં દિલ-દિમાગ પર કેટલું છવાઈ જાય છે એની એક ઘટના બાંકડે બેસતા એક વડીલે વર્ણવી. ઉમરલાયક એવા એક સજ્જન શહેર માં તેના પુત્ર સાથે રહેતા હતા પણ એનું દિલ બાજુ ના ગામડા માં ના પોતાના ઘર માં રહેતું. અવાર-નવાર એ યાદ કરતા એ ઘર ને અને દિમાગ માં સ્મૃતિઓ નું એક ઘર બની જતું હતું કે જે જલ્દી થી ભુલાતું ન હતું. એ સજ્જન ની તબિયત પણ કંઈ સારી રહેતી ન હતી. એક દિવસ એણે પુત્ર પાસે ગામડા ના ઘરે જવા ની વાત કરી. કોણ જાણે કેમ કે એ ગામડા ના ઘર ની અંતિમ મુલાકાત હતી કે પછી મૃત્યુ નો ભાસ થઇ ગયો હતો. એજ રાત્રે એ વડીલ ગામડા ન એ જુના મકાન માં મૃત્યુ પામ્યા.

એક એવું પણ અવતરણ છે કે જે ઘર વિષે ની બધીજ શક્યતાઓ ને સમાવી લે છે. તમારું ઘર ત્યારેજ તમારું લાગે છે, જ્યાં તમારો પોતીકો એક ખૂણો હોય, એકાંત રૂપ જગ્યા હોય. જ્યાં તમે હો, માત્ર તમે જ. ઘર એટલે અખિલ બ્રહ્માંડ માં મારું વિશ્વ!

હવે મારું ઘર
સદાય ઉઘાડું રહેશે
મારા ઘર ને
કમાડ જ ક્યાં છે?
- ગુલાબ દેઢિયા

- - - - -
- નયનેશ વોરા, લખ્યા તા: ૨૫-ડિસેમ્બર-૨૦૧૧, નાતાલ

3 comments:

  1. ખરેખર ઘર એટલે એવી જગ્યા જ્યાં કોઇપણ જાતના છોછ વગર તમે 'પોતે' થઈ શકો.
    પોતે કેવા થવું તે વિષે મતભેદ હોઇ શકે.
    કમાડ ઉઘાડાં રાખીને વાત કરવામાં હિમ્મત તો જોઇએ,પણ આપણને માનવમાંથી માનવી થવાની અને મકાનને ઘર થવાની તક જરૂર થી મળી રહે.

    ReplyDelete
  2. 'નવનીત સમર્પણ'નો જાન્યુઆરી ૨૦૧૨નો અંક આજે જ ટપાલમાં મળ્યો. અંકની સામગ્રીપર નજર ફેરવતાં શ્રી ભગવતીકુમાર શર્માની ની ચે મુજબની નોંધ વાંચવા મળી.
    "સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દ્દયકાઓનો માણસ છું. મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશક - માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે!આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ વાર ઘર બદલાવ્યું છે. ઘર વિષેનું મારું આ સુદીર્ઘ સંબંધ-સાતત્ય સઘન ભાવ-સાતત્યમાં પરિણમ્યું છે તે અનનવ્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એક આખું વર્ષ અનિદ્રાથી પીડાયો છું. ઇષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ ઘરમાં રંજાડ્યો છે.અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્યપથે વળ્યો છું.અહીં જ મેં કોડીયે,ખડીયે,ફાનસે અખૂટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણાં જેવી બારીમાંથી મેં વરસાદનું વહાણ અને સૂરજનો સંતાપ ઝીલ્યાંછે. આ ઘર મને એક સાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાની પુંજ જેવું અનુભવાય છે!"

    ReplyDelete
  3. અશોકભાઈ,
    આપ આ નવા બ્લોગ ને નિયમિત રૂપે વાંચો છો તે બદલ ઉપકૃત છું.
    'નવનીત સમર્પણ' માં શ્રી ભગવતીકુમાર શર્મા ની સુંદર કૃતિ આ બ્લોગ પર મુકવા બદલ, અને ઘર વિષે ના આ વાર્તાલાપ ને આગળ વધારવા બદલ આભાર!
    કહેવાયું છે કે ઈંટ તથા પથ્થર બને એ મકાન. પ્રેમ અને સપનાઓ થી બને એ ઘર.
    સાભાર,
    નયનેશ વોરા

    ReplyDelete