Tuesday, December 27, 2011

હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

શિયાળા ની એ ઠંડી રાત્રે
રસ્તા ની કોર પર
ધ્રુજતી એક વૃદ્ધ સ્ત્રી
પસાર થતા લોકો પાસે
મદદ માંગી રહી હતી.
ગાડીઓ માં પસાર થતા લોકો
પોતાના માં એટલા વ્યસ્ત હતા
કે તેમને જોવા સુદ્ધાં ની ફુરસત ન હતી.

પસાર થતા એક સજ્જન
અચાનક રોકાયા અને ૫૦ રૂપિયા આપ્યા
પછી થોડી વાર માં એક ચાદર અને ગોદડું પણ આપી ગયા.

વૃદ્ધા ને હુંફ આપી, એ સજ્જને હુંફ મેળવી.

લોકો માને છે કે મેળવી લેવું એ જીવન છે
પણ હકીકત એ છે વિના સ્વાર્થે આપવું
અને આપી ને મેળવવું, એ જીવન છે.

શૂન્ય પાલનપુરી એ સાચું જ કહ્યું છે -

થીજવી દે હાડ એવી આફતો ની ટાઢ માં,
હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

- - - - -

- તન્મય વોરા (લખ્યા તા: ૨૮-ડીસેમ્બર-૨૦૧૧)
આજ સંદર્ભ માં ૨૦૦૯ માં મારા બ્લોગ "QAspire.com" પર લખેલ પોસ્ટ "Giving is Growing - Generosity and Leadership"


Sunday, December 25, 2011

ઘર વિષે - નયનેશ વોરા

દરેક વ્યક્તિએ એના બાળપણમાં દરિયા કિનારે રેતી નાં ઘર બનાવ્યા જ હશે. ઘરની કલ્પના આપણાં દિમાગમાં છેક બચપણથી જ સંગ્રહાયેલી હોય છે. નાનપણ માં છોકરાઓ ઘર ઘર રમતા હોય, ત્યારે ઘર સીમાબદ્ધ હોય છે અને તેની આગળ પાછળ ની ભાવનાઓ અને લાગણીઓ અસીમ આકાશની જેમ ફેલાઈ જતી હોય છે. મૂળભૂત રીતે માણસ પોતાનાં માટે ઓથ ની શોધ કરતો હોય છે, જ્યાં સાંજ પડે જઈને "હાશ" કરી શકે. એટલે કે માણસ ઘર માં રહેતો હોય છે અને ઘર માણસ માં રહેતું હોય છે!

થોડા સમય પહેલા 'ધરતીનો છેડો ઘર' એ વિષય ઉપર મહાનુભાવો નાં વિચારો, વિભાવનાઓ નું રસપ્રદ સંપાદન વાંચ્યું ત્યારે મને એક સ્નેહીએ "ઘર" વિષય ઉપર કાવ્યપંક્તિઓ અને વાક્યો ની હસ્તલિખિત પુસ્તિકા આપી તે પણ યાદ આવી ગઈ. આ પુસ્તિકામાં શબ્દચિત્રોની સાથે વિવિધ પ્રકાર ના ઘરોના રેખાચિત્રો એક અલગ જ ભાવ જગત ઊભું કરે છે. કેટલાય જાણીતા અને અજાણ્યા લોકો ઘર વિષે નાં વિચારો કરતા હશે, ત્યારે એવું પણ બનતું હશે કે શબ્દો આકાશની જેમ વિસ્તારાયેલા હોય અને પરિકલ્પનાઓ અમાપ હોય, એવું માનવું પડે છે.

"ઘર એટલે" ની પ્રસ્તાવનામાં સંકલનકાર શ્રી સત્યામુનીએ કહ્યું છે કે ઘર ને સમજવું બહુજ આવશ્યક થઈ ગયું છે. બધાને બધી રીતે ઘરનો મર્મ સાંપડ્યો નથી હોતો, જેના કારણે જ કદાચ ઘણાં ઘરની કથામાં વ્યથાનો રંગ ઉપસતો હોય છે.

સંકલનકાર કહે છે તેમ આપણાં ઘર માં જેને પોતાના ઘર જેવું લાગે અને જેમના ઘર માં આપણને ઘર જેવું અનુભવી શકાય - આવા ઘરો કદાચ આજે આપણે શહેરો માં જવલ્લે જ જોઈ શકીએ. કારણ કે આજના ઘરો ચોરસ ફૂટ માં મર્યાદિત થઇ ગયા છે. જગ્યા પણ ઓછી અને દિલ માં પણ ઓછી જગ્યા! સત્યમુની એ કહ્યું છે તેમ ઘર એટલે આંતર-અવકાશ! વળી કવિ પ્રશાંત દેસાઈ કહે છે તેમ,

"ઘર એટલે હુંફ અને હાશ,
બેફામ મોક્ળાશ - જાણે ખુલ્લું આકાશ!"


ઘર એટલે શહેર માં અદ્યતન બંગલો કે ફ્લેટ. આજે પણ આ ગામડા ગામ માં ઘર ને ખોરડાં જ કહેવાય છે. એમાં વસતા દરેક જણ ના દિલ પણ વિશાળ હોય એવું આપણે જોતા હોઈએ છીએ. સત્યમુની એ આગળ લખ્યું છે તેમ ઓટલો, હીંચકો, બેઠક, ફળિયું, તુલસી ક્યારો, પાણીયારું, ગોખલા, ટોડલા, પડશાળ, છજાં, ઢાળિયું, કોઠી અને ગમાણ - આ બધું ઘર ને સગવડ તો આપે જ છે પણ સાથે સાથે ઘર માં રહેનાર ને અદભુત અનુભૂતિ નો સ્પર્શ પણ કરાવે છે. માણસ ને ઘણી વાર એવું પણ થાય છે કે જે ઘર મેં તે રહ્યો હોય તે ઘરો એની સ્મૃતિ માં બંધાઈ જતાં હોય છે. મારા મિત્ર અને લેખક શ્રી વીનેશ અંતાણી લખે છે તેમ, વર્તમાનમાં પણ એ જે છૂટી ગયા છે એવા ઘરો માં જીવતા હોય છે. માણસ માટે ઘર ની છાપ એટલે પોતાના દાદા-પરદાદા ના ઘર માં રહ્યા હોય છે એજ કાયમ માટે ઘર ની વ્યાખ્યા માં બંધ બેસતું હોય છે. જ્યાં મહેમાનો ની આવન જાવન રહેતી હોય, જ્યાં નિયમિત રીતે "બેસવા" આવતા લોકો થી બેઠક ભરી હોય અને એ પણ કોઈ કામ કે સ્વાર્થ ના હોય - તેવા લોકો થી ઘર હર્યું-ભર્યું હોય - આવું હવે કદાચ જોઈ શકાય કે નહીં એ એક પ્રશ્નાર્થ છે.

ઘર માણસ નાં દિલ-દિમાગ પર કેટલું છવાઈ જાય છે એની એક ઘટના બાંકડે બેસતા એક વડીલે વર્ણવી. ઉમરલાયક એવા એક સજ્જન શહેર માં તેના પુત્ર સાથે રહેતા હતા પણ એનું દિલ બાજુ ના ગામડા માં ના પોતાના ઘર માં રહેતું. અવાર-નવાર એ યાદ કરતા એ ઘર ને અને દિમાગ માં સ્મૃતિઓ નું એક ઘર બની જતું હતું કે જે જલ્દી થી ભુલાતું ન હતું. એ સજ્જન ની તબિયત પણ કંઈ સારી રહેતી ન હતી. એક દિવસ એણે પુત્ર પાસે ગામડા ના ઘરે જવા ની વાત કરી. કોણ જાણે કેમ કે એ ગામડા ના ઘર ની અંતિમ મુલાકાત હતી કે પછી મૃત્યુ નો ભાસ થઇ ગયો હતો. એજ રાત્રે એ વડીલ ગામડા ન એ જુના મકાન માં મૃત્યુ પામ્યા.

એક એવું પણ અવતરણ છે કે જે ઘર વિષે ની બધીજ શક્યતાઓ ને સમાવી લે છે. તમારું ઘર ત્યારેજ તમારું લાગે છે, જ્યાં તમારો પોતીકો એક ખૂણો હોય, એકાંત રૂપ જગ્યા હોય. જ્યાં તમે હો, માત્ર તમે જ. ઘર એટલે અખિલ બ્રહ્માંડ માં મારું વિશ્વ!

હવે મારું ઘર
સદાય ઉઘાડું રહેશે
મારા ઘર ને
કમાડ જ ક્યાં છે?
- ગુલાબ દેઢિયા

- - - - -
- નયનેશ વોરા, લખ્યા તા: ૨૫-ડિસેમ્બર-૨૦૧૧, નાતાલ

સાચી પ્રાર્થના

કાર્યરત રહેવું....
.... એજ પ્રાર્થના છે.

દીકરી ને...

મારી વહાલી દીકરી,

તું એટલે અમે,
તારા માં અમે અમને જોઈએ
તું આવડી નાની
ને અમે તારા મોટા થવા નાં સ્વપ્નો જોઈએ.

તને નવું નવું બોલતા,
શીખતા અને ચાલતા જોઈએ
જયારે તને જોઈએ,
તારા માં કશુક નવું જ જોઈએ!

સાવ અજાણ હતું
એ બાળક ને સમજતા જોઈએ
અને દરેક દિવસે
સમય ની અચલ ગતિ ને જોઈએ!

તારા કલબલાટ થી
ખીલી ઉઠતું ઘર જોઈએ
સમય ભલે ને વહે
તું તો અમને આવડી જ જોઈએ!

દીકરી વ્હાલ નો દરિયો
નેં દરિયા માં તરબોળ અમને જોઈએ
પ્રભુ નું તું રહે વિશેષ બાળક
એથી વિશેષ અમને શું જોઈએ?


- તન્મય વોરા (લખ્યા તા: December ૨૦૦૭, "હૈયા ની વાતો હિયા ને" માં થી)

Saturday, December 24, 2011

દૈનિક સંકલ્પ

આજે સવારે ઉઠ્યા પછી
હું સ્મિત કરું છું

નવા નક્કોર ચોવીસ કલાક
મારી સામે તૈયાર ઉભાં છે

હું પ્રત્યેક ક્ષણ નેં
પુરેપુરી જીવવા માટે અને

પ્રત્યેક જીવ નેં કરુણા નીં નજરે
જોવા માટે સંકલ્પબદ્ધ છું!

- વિએટનામ નાં ઝેન ગુરુ થીચ નહાટ હાન્હા

શા માટે કો અન્ય થઇ ને જીવીએ?

આપણું પોતાનું જીવન
ધન્ય થઇ ને જીવીએ,
શા માટે આપણે,
કો અન્ય થઇ ને જીવીએ?
- શોભિત દેસાઈ

માં

સંગીત કેરી સરગમ નો જેમ
પહેલો સ્વર છે "સા",
જીવન કેરી સરગમ કેરો
સાચો સ્વર છે "માં"!

- તુષાર શુક્લ

કૃતજ્ઞતા

અત્યાર સુધી તો
મને એમ હતું કે
શક્તિ પૈસા માં છે
શક્તિ તો ડિગ્રી માં છે
શક્તિ બહાર ક્યાંક છે.
પણ.. જયારે મેં પોતાની અંદર જોયું
જયારે મેં પોતાની સામે જોયું
તો મને સમજાયું કે
શક્તિઓ તો બધી મારી અંદર છે
જયારે હું મારી શક્તિઓ ને ઓળખું, વિકસાવું
અને અભિવ્યક્ત કરું
ત્યારે જ હું સારું ભણી શકું, સારો વ્યવસાય કરી શકું
અને સારો માણસ બની શકું.

મારી શક્તિઓ એટલે,
મારો આત્મવિશ્વાસ,
મારી વિચારવા ની ક્ષમતા,
મને થતી ઇચ્છાઓ અને લાગણીઓ,
મારી કલ્પના કરવાની ક્ષમતા,
મારી વાતચીત કરવાની ક્ષમતા,
મારી ચાલવા ની, દોડવાની અને હસવા ની ક્ષમતા,
મારી લખવા ની ક્ષમતા,
સકારાત્મક વિચારવાની ક્ષમતા,
માણસ સાથે માણસ બની રહેવા નો આગ્રહ,
પ્રેમ આપી અને પ્રેમ મેળવી શકવા ની ક્ષમતા.

મારી આ શક્તિઓ થાકી,
હું ધારું તે સર્જી શકું છું.
અને હું "ધારી શકું છું"
એ મારી સૌથી મોટી શક્તિ!

- તન્મય વોરા (લખ્યા તા: ૨૦. ૧૦. ૨૦૦૬)

મારું ઘર

જ્યાં રોજ સાંજ ઢળતાંચરણો વળતાં મેળે
અ માર્ગ પછી ની મંઝીલ એ મારું ઘર છે;
ને કડી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે
- હરીન્દ્ર દવે

મૃત્યુ વિષે...

આવ્યો,
તમાશો જોયો
ને "તન્મય" થઇ ગયો,
ભૂલી ગયો કે પાછું ઘેર પણ જવાનું છે!

ઈશ્વર નો અનુગ્રહ

જીવન માં થી
સંગ્રહ - આગ્રહ - પરિગ્રહ અને પૂર્વગ્રહ છુટે
તો
ઈશ્વર નો અનુગ્રહ ઉતરે...!

- પૂ. મોરારી બાપુ

પહેલા માણસ બની જઈએ

ચાલો ફરી ભગવાન ના વારસ બની જઈએ;
શરત એટલી જ છે કે પહેલા માણસ બની જઈએ!

શું કહેવું?

હોય ભાર ચોમાસું અને વરસે
અનરાધાર, એ તો સમજ્યા;
પણ મોસમ વિના ગર્જી ને પડતો
બેસુમાર, એને શું કહેવું?

અંતર થી દૂર હોય છે તેને કહે છે
જુદાઈ, એ તો સમજ્યા;
દૂર હોય છે અંતર થી, નજીક હોવા છતાં,
ખુદાઈ, એને શું કહેવું?

- નયનેશ વોરા (લખ્યા તા: ૦૭-મે-૧૯૯૩)

આપજે

ભલે તું મને ફક્ત રણ આપજે
હું ચાલી શકું એ ચરણ આપજે

ભલે હર ઘડી મુંજવણ આપજે
મને કાળજું પણ કઠણ આપજે

પરમતત્વ ને પામી શકું હું પણ
મને એવી એકાદ ક્ષણ આપજે

હું બોલું પછી, હોઠ ખોલું પછી
પ્રથમ તું મને આચરણ આપજે

કદાચિત ભૂલી જાઉં હું ખુદ ને હમદમ
સતત એક તારું સ્મરણ આપજે!

- તુરાબ "હમદમ"

વિચાર શૂન્ય થવાની કળા

માણસ સૌથી વધારે યાતના ભોગવે છે બીજા કશા ને લીધે નહિ પણ વિચારો ને કારણે... - ટોલ્સટોય

સર્વોત્તમ પ્રાર્થના

સર્વોત્તમ પ્રાર્થના માત્ર એકજ વાક્ય ની હોય શકે:
હે પ્રભુ! હું જે ઈચ્છું તે નહીં પણ જે યોગ્ય હોય તે જ થજો!